Posted by: Sanket Dave | January 29, 2010

લેખ / વાર્તા

જીવતી માનું શ્રાદ્ધ …


એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વરયનો પાર ન રહ્યો.

હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માતાને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમા…!’

મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘ભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાને સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’

એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબ ્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મ ળે છે!’

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે

ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં Aણ સ્વર્ગ માટેની કોઈ ‘ ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી

.

માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે A Aેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુ ી કાળજી લઈ શકતા નથી. એવા

દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતા નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે…

તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ Aક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જ ારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…! ” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ!

વારંવાર એક વાત સમજાય છે. Ghaરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે.

કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સ8 1ધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે.

> લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!

અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવતી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ.

લોકકવી ભીખુદાન ગઢવી લખે છે-

‘અંતવેળા જેના માબાપ ઠર્યા… સાત જનમ તેના બુરા ઠર્યા…!

ધુંપછાંવ દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યાં છે. તેમની પાસે સમય નથી. ઘરડા માબાપ એ વાત સમજે છે છતાં ઘડપણમાં તેમના દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી.

વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય?’ દીકરો કહે છે:

‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કાપાઈ જાય!’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસની મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે ….. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!

ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી …..

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ….. આખરે તો એ મા – બાપને જ અનુસરશે !!!

બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….

પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે ..જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!!

અને છેલ્લે ….

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ……. તે મોત ..

ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !

લેખક – શ્રી દીનેશ પાંચાલ,

ગોવીન્દ મારુના ‘અભીવ્યક્તી’બ્લોગ http://govindmaru.wordpress.com/ પરથી સાભાર…


પિતૃકૃપા

– વસુદેવ સુતમ્ દેવમ્………

હરિભાઇનું ધ્યાન આજે પુજામાં લાગતું ન્હોતું… પ્રાર્થનાથી સ્થિર થવાને બદલે મન વધુ વિચલિત થઇ રહ્યું હતું…ચંચળ મનની અસ્થિરતાથી એ થોડાં વ્યાકુળ થઇ ગયા હતા.. મ્હોંમાંથી યંત્રવત્ શ્લોકની સરવાણી અસ્ખલિત વહેતી હતી.. એઓ વિષાદ યોગમાંથી પસાર થઇ રહ્યા હતા. સર્વ મિથ્યા લાગી રહ્યું હતું. મન બેચેન હતું. વેર-વિખેર થઇ ગયુ હતું. કેટલાય સમયથી કુરૂક્ષેત્ર બની ગયું હતું…એઓ ખુદ લડી રહ્યા હતા પોતાની સાથે જ!!

પોતે જ સારથિ હતા અને પોતે જ પાર્થ હતા…

નાહી-ધોય દરરોજ અડધો કલાક પ્રભુ ભક્તિ કરવી એ હરિભાઇનો નિત્ય ક્રમ હતો. પરંતુ ભક્તિ પ્રત્યેની આસક્તિમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો હતો… ઉંમર વધે એમ સામાન્યતઃ ભક્તિ વધે…. પણ અહિં ઊલટો ક્રમ બની રહ્યો હતો….એવું ન્હોતું કે એમને પ્રભુમાં શ્રધ્ધા ન્હોતી…પ્રભુમાં એમને અખૂટ શ્રધ્ધા હતી…વિશ્વાસ હતો… પ્રાર્થના તો જીવનનું અમૃત છે એવું એઓ માનતા હતા…અન્યથા શરણમ્ નાસ્તિ…ત્વમેકમ્ શરણમ્ મમ….એમના જીભના ટેરવે રમતું રહેતું…રામનું નામ એમના હૈયે ને હોઠે રહેતું…પણ લાગતું હતું કે એ નામ પણ હવે કોઇ કામ આપતું ન્હોતું… આરામ આપતું ન્હોતું…

એક સામાન્ય ક્લાર્ક તરીકે ઇન્કમ ટેક્ષ  વિભાગમાં હરિભાઇએ નોકરીની શરૂઆત કરી હતી. મેટ્રિક પાસ થયા બાદ નાની-મોટી નોકરી કરતાં કરતાં ઇન્કમ ટેક્ષ ખાતાનું ઇંટરવ્યુ આવ્યું હતું અને આજે એઓ ઇન્ક્મટેક્ષ ઓફિસરનો માતબર હોદ્દો શોભાવતા હતા..હરિભાઇ પોતાની નોકરી, પોતાના હોદ્દા વિશે વાત કરતાં અચકાતા…! ક્ષોભ અનુભવતા હતા.!!

હોદ્દાનો એક રુતબો હતો…. માન હતું પણ હરિભાઇને એ હોદ્દો હવે એક બાણશય્યા સમાન લાગતો હતો… હરિભાઇના ક્ષોભ અંગે આપે એવું ધારી લીધું ને કે હરિભાઇને ઉપરની બે નંબરી આવકને કારણે ક્ષોભ થતો હશે…!!

– ના….એવું હરગિસ નથી… હા, આપની આ ધારણા સાવ ખોટી છે….!!!

પરંતુ, એમનો એક દોષ અવશ્ય હતો….એઓ એક નખશિખ પ્રમાણિક સંનિષ્ઠ અને ચોખ્ખા કર્મચારી હતા..!!! અને આજના આ કળિયુગમાં એ જ એમનો સહુથી મોટો અવગુણ હતો… સહકર્મચારીઓ એમને ઘાસની ગંજી પર બેઠેલ શ્વાન કહેતાં: પોતે તો ખાતો નથી અને બીજાને પણ ખાવા નથી દેતો….!! પરતું હરિભાઇને કોઇની પડી ન્હોતી… ઑનેસ્ટી જ એમની બેસ્ટ પોલિસિ હતી…!!!

– શું આપ્યું હતું પ્રમાણિકતાએ?!

વિષ્ણુ સહસ્ર નામાવલિનું રટણ કરતા કરતા એમના વિચારો અટકતા ન્હોતા.

– કેટકેટલી બદલીઓ થઇ ગઇ ?? અરે !! મળવાપાત્ર પ્રમોશન પણ કેટલું મોડું મળ્યું હતું!! કોઇ પણ કારણ વિના ફ્ક્ત કરચોર વેપારીઓ, બિલ્ડરો, ચાર્ટડ-એકાઉંટન્ટ અને ટેક્ષ કન્સલ્ટન્ટની ખોટી ચઢાવણીને કારણે લાંચિયા ઉપરી અધિકારીઓએ એમના સી. આર રિપોર્ટ બગાડ્યા હતા

– અરે!! પેલા ઇન્ક્મ ટેક્ષ કમિશનર અડવાણીએ તો એમની સામે ખાતાકિય તપાસનો મોરચો પણ માંડ્યો હતો!! પરંતુ, પોતે શુધ્ધ હતા!! સો ટચના સોનાની માફક એઓ ઉજ્જવળ બનીને બહાર નીકળ્યા હતા…કોઇ દાગ લાગ્યો ન્હોતો એમના દામન પર…!!

પરંતુ, હવે એ ખુદની જ કસોટીમાંથી ઊણા ઉતરી રહ્યા હતા….! નિષ્ફળ જઇ રહ્યા હતા…!! હારી રહ્યા હતા….!!

રિટાયર થવાને હવે ચાર-પાંચ જ વરસ બાકી રહ્યા હતા…

– આટલા વરસની નોકરી બાદ શું હતું એમની પાસે. ??

– ન પોતાનું ઘર…! ન તગડું બેંક બેલેંસ… !!

– અરે!! પ્રોવિડંડ ફંડમાં પણ ઉપાડને કારણે તળિયું આવી ગયું હતું….!!!

– જ્યારે એમના સહ કર્મચારીઓ કેવા તાગડ-ધિન્ના કરતા હતા….!!?

– પેલો ત્રિવેદી..?! એમનાંથી પાંચ-છ વરસ જુનિયર…છતાં શહેરમાં બે બે તો ફ્લેટ..!! જમીનના બેનામી પ્લોટ….ભાઇના નામે કાર રાખી પોતે ફેરવે… અને સ્કુટરોની તો લંગાર….!!

– કેવી રીતે…? કેવી રીતે…??  લોકો કેવી રીતે લાંચ લેતા હશે….?? એમના આત્માને કંઇ દુઃખ ન થતું હોય…?!

– ત્રિવેદી કહેતોઃ હરિલાલ, કદી માંગવું નથી પડ્યું….!! ફક્ત ના નહિ પાડવાની….ના પાડતા શિખવું નહિં…નન્નો ન ભણવાનો….!! અને લક્ષ્મી માતા ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ચોખ્ખું રાખવાનું….સાફ રાખવાનું….!!

– શું છે આપણી ઘરે..?? એમના પુત્ર મનુના શબ્દો એમના કાનમાં ગુંજ્યા રાખતા…

– મનુનો પણ શો દોષ…?

– પિતાજીએ જો ધાર્યું હોત તો આજે આપણી ઘરે બધું જ હોત…!! પ્રમાણિક હોવું કંઇ ખોટું નથી. પણ પ્રમાણિકતાનું આવું ખોટું વળગણ…?? પ્રમાણિકતાની જળો જાણે કુટુબંને ચુસી રહી હતી…મનુ હંમેશ એની માતા શાતાંબેન પાસે પિતાજીની ફરિયાદ કર્યા રાખતો એની હરિભાઇને જાણ હતી.

– મોટી પુત્રી મધુના લગ્ન પ્રસંગે કેવી ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ હતી…?!

ભુતકાળની ગર્તામાં ડુબી રહ્યા હતા હરિભાઇ…

પ્રોવિડંડના પૈસા આવતા ખાસો સમય નીકળી ગયો હતો…લગ્નની તિથિ નજીક આવી રહી હતી… મધુને કન્યાદાનમાં આપવા માટેના ઘરેણાં તો પત્નીના જુના ઘરેણા તોડાવી બનાવ્યા…. પણ બીજા ખર્ચનું શું….??

પ્રોવિડંડના પૈસા પોતાના જ હતા…પોતાની કપાત હતી તે પણ લેવા માટે કેટલા ધમપછાડા કરવા પડ્યા….!! એ તો વેવાઇ ઘણા જ સારા હતા, સમજુ હતા… એમણે પચાસ હજાર રૂપિયા આપ્યા ને પ્રસંગ સુખરૂપ પત્યો…પ્રોવિડંડના પૈસા આવી જતા વેવાઇને પૈસા પરત કર્યા હતા…

હરિભાઇ માનતા હતા પ્રભુ મદદ પહોંચતી કરે જ છે…. જે રીતે નરસિંહ મહેતાની હૂંડી સ્વિકારી હતી એમ પ્રભુ પોતાના ભક્તોને વહારે ધાય છે…પરતું,  હવે એઓ પ્રભુની મદદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા… એમની હૂંડી કોણ સ્વિકારશે? મોટો પ્રશ્ન હતો એમનો…એમનો એકનો એક પુત્ર મનુ છેલ્લા  બે વરસથી સાવ બેકાર બેઠો હતો… સાયકોલોજી સાથે એમ.એ. થયો હતો એ…!! નોકરીઓ માટે કેટકેટલીઓ અરજીઓ કરી હતી એણે….?! કેટલાંય ઇન્ટરવ્યુ આપ્યા હતા… પણ એની નોકરીનું કંઇ ઠેકાણુ પડતું ન હતું…હરિભાઇ ફક્ત એક ઇશારો કરે તો તુરંત ક્યાંક ને ક્યાંક નોકરી મળી જ જાય….પણ હરિભાઇને ઇશારો કરતાં ક્યાં આવડતું હતું….??

હરિભાઇ ખુદને પણ થતું હતું કે એમણે કંઇ કરવું જોઇએ મનુ માટે….!! મનુ પણ ખુબ જ નિરાશ થઇ ગયો હતો.. ઘરે પણ એ અનિયમિત આવતો…આખો દિવસ ક્યાંક કોઇ મિત્રોને ત્યાં રહેતો… અને મોડી સાંજે તો ક્યારેક રાત્રે મોડો ઘરે આવતો.. ’છોડી દો તમારા ખોટા નિતિ-નિયમો…’ મનુની બાએ એમને કહ્યું, ‘અરે…મનુની ઊંમરે તો તમે એક છોકરીના બાપ બની ગયા હતા..!! હવે મનુને ઠેકાણે પાડવો પડશે..એને નોકરીએ લગાડવો પડશે….’

‘હં….’ હરિભાઇએ ધીમેથી ઊંહકારો ભણ્યો., ‘પણ હું શું કરું…?’

‘તમે કોઇને કહી શકો… કેટ કેટલી ઓળખાણ છે તમારી…!! બધા જ કહે છે કે વાંક તમારો જ છે…!! અને આમાં ક્યાં કોઇની પાસે પૈસા લેવાના છે…?! ફક્ત વાત જ કરવાની છે….મનુની નોકરી માટે….!!’

‘પૈસાનો સવાલ નથી….’ હરિભાઇએ ધીમેથી શ્વાસ લઇ કહ્યું, ‘આજ સુધી……….!’

હરિભાઇની વાત વચ્ચેથી તોડી લેતા મનુની બાએ ક્રોધિત થતાં કહ્યું… ‘આજ સુધી….!!આજ સુધી…!!’ નિઃશ્વાસ નાંખી એ બોલી, ‘શું થયું આજ સુધી…?? અરે…!! પ્રમાણિકતાનું પૂંછડું પકડી તમે વૈતરણિ તો તરી જશો…પણ સંસારમાં ડૂબી જ જશો….!! જીવતે જીવ ડૂબી જ જશો એનો કેમ ખ્યાલ નથી આવતો તમને….? તમારે ગમે તેમ કરીને મનુને ઠેકાણે પાડવો પડશે….એક જ તો છોકરો છે આપણો…આપણે એના માટે ઘર તો નથી મુકી જવાના…ક્વાર્ટર તો નોકરી છે ત્યાં સુધી… !!પછી શું…?? ક્યાં રહીશું આપણે…?? ક્યાં રહેશે એ…?? કદી વિચાર કર્યો છે તમે..?? ને હવે તમને રિટાયર થવાને વાર પણ ક્યાં છે….?! દિવસો તો પાણીની માફક વહી રહ્યા છે….હવે હાથ પર હાથ ધર્યે બેસી રહેશો તો રસ્તે રઝળવાનો વારો આવશે….હું તો આગળ વિચારી પણ નથી શકતી….!’

રાત્રે મનુનો વિચાર કરતાં કરતાં, મનુની બાનો વિચાર કરતાં કરતાં હરિભાઇને ઊંઘ ન આવી..આમે ય ઊંઘ પ્રવાસી પક્ષીઓની માફક કોઇ દુર દેશ ઉડી ગઇ હતી….

ઘડિયાળમાં મધરાતના બેના ટકોરા પડ્યા…પલંગ નીચે મુકેલ તાંબાના લોટામાંથી હરિભાઇએ બે ઘુંટ પાણી પીધું… શરીરમાં જરા અસુખ જેવું લાગતું હતું…પરસેવે શરીર તરબોળ થઇ ગયું….એઓ ગાયત્રી મંત્ર બોલવા લાગ્ય….ઓ..મ ભુર્ભવઃ સ્વઃ…….

– કેમ આજે આમ થાય છે…..?? મંત્ર મ્હોંએથી યંત્રવત રટાતો હતો…. પણ મન કંઇક જુદું જ વિચારતું હતું…

– કેમ આજે આમ થાય છે ??  મનુને કઇ રીતે ઠેકાણે પાડવો એની ચિંત્તા વિસરી હરિભાઇ પોતાની તબિયત વિશે વિચારવા લાગ્યા… છાતીમાં સણકા મારી રહ્યા હતા.. જાણે હ્રદય નીચોવાય રહ્યું હતું…

– મનુની બાને જગાડુ…?!

એમણે મનુની બા તરફ નજર કરી..

– ના, એની ઊંઘ શા માટે અમસ્તી બગાડવી…!?

– ઓ ઓ ઓ….હ…..!!! હરિભાઇએ પથારીમાંથી ઉભા થવાની કોશિષ કરી…પણ પીડાથી ઊંહકારો નીકળી ગયો…

– આ તો આમ જ મરી જવાશે…

એમને મોતનો વિચાર એક વાર આવી ગયો…

– ઓ ઓ  ઓ હ…….!! મારા મનુનુ શું થશે….?

હરિભાઇ કોકડું વળી ગયા…. કપડાં પરસેવે રેબઝેબ થઇ ગયા….

– શું આ એટૅક તો નથી….હાર્ટ એટૅક …!!

– તો……!!??

– હરે….એ…..એ!!  રા આ આ આ …..મ…..!!

છેક મળસ્કે હરિભાઇની આંખ મળી. સવારે છના ટકોરે ઉઠી જનારા હરિભાઇને શાંતાબેને સાત વાગ્યે ઉઠાડ્યા, ‘કેમ આજે કંઇ બહુ ઊંઘ્યા….!!’

– ઓ……ઓ……હ….હરિભાઇને રાતની પીડા યાદ આવી. શરીર કળતું હોય એમ લાગ્યું…એ હળવેક થી બોલ્યા, ‘રાત્રે ઊંઘ મોડેથી આવી હતી….!!’

‘આજે મનુનો શિક્ષકનો ઇન્ટરવ્યુ છે….!’ મનુની બાએ હરિભાઇને ચાનો કપ આપતા કહ્યું, ‘મનુ તો હજુ ઊંઘે છે. ઇન્ટરવ્યુ આપવા જવાની પણ એ તો ના પાડે છે. એ પણ શું કરે…!!’

‘હં….!’ હરિભાઇએ ચાનો ઘુંટ ભરતા કહ્યું.

‘સ્કૂલના શિક્ષકનું તો એ ભણ્યો પણ નથી…કહેતો હતો કે બી એડ થયેલ હોય તો પણ નોકરી માટે બે-અઢી લાખ રૂપિયા તો ઉપરથી આપવા પડે સ્કૂલના ટ્રસ્ટીઓને….!!ને શિક્ષણ અધિકારીને ખવડાવવા પડે… !!’

‘જમાનો બહુ ખરાબ છે…’ હરિભાઇએ ચાનો કપ પુરો કરતા કહ્યું, ‘હું મનુ માટે બહુ જ જલ્દી કંઇક વ્યસ્થા કરીશ…એને સમજાવજે…મારી સાથે તો એ વાત પણ ક્યાં વધારે કરે છે…?’

‘બે- અઢી વરસ થઇ ગયા ઘર બેઠાં….! તમે કહ્યા રાખો છો પણ કરતાં કંઇ નથી….એ તો કહેતો છે કે એના કરતા તો ભણ્યો જ ન હોત તો સારું…!! કઇંક રિક્ષા કે એવું ચલાવીને કમાણી તો કરી શકતે…’

હરિભાઇ મૌન જ રહ્યા…શરીર કળતું હતું…બેચેની લાગતી હતી…

– રાતના એટૅકની વાત મનુની બાને કરૂં કે ન કરૂં…હરિભાઇ અવઢવમાં જ રહ્યા…

સ્નાનાદિથી પરવારી હરિભાઇ પ્રાર્થના માટે બેઠાઃ વસુદેવ સુતમ્ દેવમ્………

*       *       *       *       *       *       *       *

દિવસો તો પાણીના પ્રવાહની જેમ પસાર થયા…મનુની બેકારી કાયમ રહી ને હરિભાઇની બેચેની વધતી જતી હતી…

– એમનો સ્વભાવ એઓ કેમ બદલી શકે….!! આટલા વરસોથી પાળી  રહેલ પોતાના વ્રતને તે એ કેમ કરીને તોડે….?

એમાં એમની તબિયત અચાનક ઓફિસમાં હતાને જ બગડી…! પોતાની પીડા એ લાખ કોશિષ કરવા છતાં ય છુપાવી ન શક્યા. સહકર્મચારીઓ ઓફિસની જીપમાં જ એમના કહેવાથી એમને ઘરે ઉતારી ગયા..

‘શું થયું….??’ શાતાંબેન ચિંતામાં પડી ગયા.

‘કંઇ નથી થયું…!!’ હરિભાઇ માંડ બોલ્યા, ‘તું જરા મસાલાવાળી ચા બનાવ… ! આ તો રાત્રે બરાબર ઊંઘ નથી આવતી એટલે…!!’ હરિભાઇએ વાત ઉડાવી પથારીમાં પડતું મુક્યું…

પીડાથી હરિભાઇ તુટી રહ્યા હતા… પણ મનમાં તો આનંદ છવાયો હતોઃ હવે તો મોત આવે તો  સારૂં !!! મંગલ મંદિર ખોલો …દયામય… મંગલ મંદિર ખોલો…!!!! હવે અંતિમ પ્રવાસની તૈયારી થઇ ચુકી છે….!!

‘સાંભળો છો….?’ ચાનો કપ અને બામની બાટલી લઇ શાંતાબેન પલંગ પર બેઠાં, ‘લો, ચા પી લો…પછી બામ લગાવી આપું… કોણ જાણે મનુ પણ સવારનો ક્યાં ગયો છે…!? દાકતરને બોલાવી…….’

‘ના….ના….. એવું કંઇ જરૂરી નથી…’ હરિભાઇ પીડા દબાવી બોલ્યા…રકાબીમાં ઠારેલ ચા પીતા ન ફાવતા સીધી કપમાંથી જ ચા પીવી પડી…સ્વગતઃ બબડ્યા…દાક્તર આવશે ને નકામી દવાઓ આપશે ને આ જિંદગીનો ભાર વધારશે…. આ જિંદગી હવે વ્યર્થ લંબાવવી નથી….!! એમણે ગમે તેમ કરી શાંતાબેનને દાક્તર ન બોલાવવા માટે મનાવી લીધા…

તબિયત વધુ બગડવા છતાં હરિભાઇને અંદર અંદર આનંદ થતો હતો…શરીર કળતું હતું પણ મનડું મરકતું હતું…મૃત્યુ તો મહાપર્વ છે … એક સનાતન યાત્રા…જન્મથી શરૂ કરેલ દરેક પ્રવાસ મૃત્યુની સમીપે જઇને પુર્ણતાને પામે. છે…. કેટલું જીવ્યા એ અગત્યનું ક્યાં છે….?? કેવું જીવ્યા એ અગત્યનું છે….!! અને પોતે પોતાની રીતે જીવ્યા…પ્રમાણિકતાના માર્ગે ચાલ્યા.. આ પ્રવાસ  કેડી એમણે પોતે કંડારી હતી…!! ઘણું જીવી લીધું પોતાની રીતે…!! હવે ભલે આવતુ મૃત્યુ….!!

‘જો બેટા…’ એક સાંજે નોકરી પરથી ઘરે આવ્યા બાદ હરિભાઇએ મનુને પોતાની પાસે બેસાડ્યો, ‘તારા માટે હું વ્યસ્થા કરી રહ્યો છું કોઇ સારી નોકરી માટે…!! થોડાં દિવસોમાં જ ખબર પડી જશે…! તને મારા સ્વભાવની તો ખબર છે….એ કારણે આપણે અને ખાસ કરીને તારે ઘણુ સહન કરવું પડ્યું… પણ જો દીકરા, પૈસા-સંપત્તિ એ કંઇ બધું જ નથી ..સર્વસ્વ નથી…! અને તારા માટે હું કંઇ વધારે મુકી પણ નથી જવાનો….’ હરિભાઇની આંખ ભરાઇ આવી અને એમનો અવાજ ભીનો થઇ ગયો…એ કંઇ વધુ બોલી ન શક્યા…

મનુ વિચારતો થઇ ગયો… પિતાજીને થતું દુઃખ સમજી ન શકે એટલો એ નાદાન ન હતો…

પિતાજીની તબિયતની એને પણ ચિંતા થતી હતી…બાએ પણ એને એ માટે વાત કરી હતી… પિતાશ્રીને કોઇ સારા દાક્તરને બતાવવાનુ એણે નક્કી કર્યું: પિતાજી આ રીતે તો કદી વાત કરતા ન્હોતા….

શહેરના સારામાં સારા ગણાતા ડો. દેસાઇની મનુએ એપોઇંટમેંટ નક્કી કરી અને જીદ કરીને એ હરિભાઇને એમને ત્યાં લઇ ગયો. ડો દેસાઇ પણ હરિભાઇને ઓળખતા હતા. એમણે હરિભાઇને બરાબર તપાસ્યા. બ્લડ યુરિન…કાર્ડિયોગ્રામ… બ્લડ પ્રેશર…કૉલોસ્ટીરોલ…!!!

‘નથિંગ ટુ વરી….!’ રિપોર્ટ તપાસી ડોક્ટર બોલ્યા, ‘એવ્રિથીંગ ઇસ ઓલરાઇટ એન્ડ પરફેક્ટ!! યુ આર એબસોલ્યુટલી નોરમલ… હિમોગ્લોબિન સહેજ બોર્ડર પર છે…બટ ઇટ ઇસ નોટ એ કોઝ….! તમને કોઇ વાંધો નથી…. એંજોય યૌર સેલ્ફ… ખાઓ પીઓ ને ખુશ રહો..!!’ હસતા હસતા ડો દેસાઇએ હરિભાઇને કહ્યું.

તો પછી પેલો દુઃખાવો…!! પણ હરિભાઇ કંઇ બોલી ન શક્યા…

‘પણ ડોક્ટર…!’ મનુથી ન રહેવાયું, ‘પિતાજીને એકવાર બહુ ગભરાટ થઇ આવ્યો હતો…!! ઓફિસે જ છાતીમાં દુઃખી આવ્યું હતું…ગભરાટ થઇ આવ્યો હતો…!!’

‘તે ક્દાચ ગેસ્ટ્રીક પેઇન હશે…કોઇ વાર ગેસને કારણે એવું જ પેઇન થાય…કદાચ, મસ્ક્યુલર પેઇન પણ હોય શકે …કોઇ વજન ઊંચકી લીધુ હોય ને મસલ્સ ખેંચાય ગયેલ હોય ત્યારે ખબર ન પડે પણ પાછળથી ક્યારેક અચાનક દુઃખાવો થાય…એમનો ઇસીજી…ઇકેજી નોરમલ છે…હાર્ટ ઇસ પરફેક્ટ….! બીપી નોરમલ છે….માટે ચિંતા કરવા જેવું કંઇ નથી…આ થોડી દવા લખી આપું છું…ખાસ તો વાયટામિન જ છે… ફેરસની ટેબલેટસ્ છે….ને બી કોમ્પલેક્ષ છે….અને એક ડાયજેસ્ટિવ છે… આમ જોવા જાવ તો એની પણ ખાસ જરૂર તો નથી પણ યુ સી…!! અમે રહ્યા ડોક્ટર એટલે કંઇક તો લખી આપવું જ પડે…!!’ પ્રિસ્કિપસન લખતા લખતા ડો. દેસાઇ હસીને બોલ્યા, ‘નહિંતર પછી ડોક્ટરની વેલ્યુ શી રહે…સમજી ગયાને તમો…?’

‘હું તને કહેતો ન હતો…?!’ હસવાનો અભિનય કરતા હરિભાઇએ મનુને કહ્યું, ‘મને નખમાંય રોગ નથી…!’

પરંતુ, એઓ અંદર અંદર સહમી ગયા…સળગી રહેલા રૂની માફક એ અંદર અંદર સળગી ઊઠ્યા…એમને કોઇ જ રોગ ન હોવાને કારણે આનંદ થવાને બદલે દુઃખના દાવાનળમાં સળગી રહ્યા હરિભાઇ…!!

– ઓ ઓ હ…!! આ શું કરવા બેઠો છે તું ઓ.. પ્રભુ….!!

હરિભાઇ કંઇ સમજી શકતા ન હતા..

બહુ ઊંચે ઊંચે ઊડતા હતા અ….ને ડો. દેસાઇએ એમના નિદાન મારફતે એમને ભોંય ભેગા પટકી દીધા….!!

– કેટલુંય વિચારી દીધું હતું એમણે….?!

– પોતે પ્રભુને પ્યારા થઇ જશે…ચાલુ નોકરીએ મરણ થાય તો ખાતાના નિયમોનુસાર મનુને ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં જ નોકરી મળી જાય….!!

– મનુની બેકારી ટળે અને પોતાનુ જીવ્યું ફળે….પણ…

– ઓહ પ્રભુ….!! તું પણ ખરો છે….!!!

– હાય રે…..નસીબ….!! ન માંગે દોડતું આવે…ન વિશ્વાસે કદી રહેજે….!!

*       *       *       *       *       *       *       *

‘જો…તોઓઓ મનુ…..!!’ મનુની બા શાંતાબેને મનુને ઊઠાડ્યો, ‘તારા પિતાજીને કંઇ થયું કે શું….!!! કેટલુંય ઊઠાડ્યા પણ જોને…. !!’

મનુ ઝબકીને જાગી ગયો…બાના અવાજની કંપારી મનુને પણ ધ્રુજાવી ગઇ…

એ ઝડપથી પિતાજીની પથારી પાસે ગયો…એમને ઢંઢોળ્યા…જગડ્યા….બુમો પાડી…પણ પિતાજીનું નિશ્ચેત શરીર તે કંઇ જવાબ આપે…?!

મોટેથી પોક મુકાઇ ગઇ મનુથી, ‘પિ…તા….આ……આ    જી……..!!!’

હરિભાઇ હરિના મારગે ચાલી નીકળ્યા હતા..ફેમીલિ ડોક્ટરને બોલાવ્યા: કંઇ નથી….હાર્ટ બેસી ગયું હોય એમ લાગે….!! ક્યારેક ઊંઘમાં જ એવું થાય…..!!!

સગા-વ્હાલા, સ્ટાફ મિત્રો, વેપારીઓ..ચાર્ટડ એકાઉંટન્ટ….ટેક્ષ કન્સલટન્ટ સ્મશાનયાત્રા…સહનાભુતિના શબ્દો….ક્રિયાકર્મ….બારમું-તેરમું…બેસણું… મનુએ ભારે હૈયે પતાવ્યું…

‘જો મનુ….! તારા ફાધર ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં એક પ્રમાણિક સંનિષ્ઠ એમ્પ્લોઇ હતા…’ હરિભાઇના ઊપરી અધિકારી પુરોહિત સાહેબ એમના સાથી કર્મચારીઓ સાથે ખરખરે આવ્યા હતા, ‘આજના કળિયુગમાં એમના જેવા ઑનેસ્ટ રહેવું એ પાણીમાં ડૂબકી મારી કોરા રહેવા જેવું કામ હતું…પણ એ કોરા જ રહ્યા..!! એઓ અજોડ હતા….!! બેજોડ હતા….!!’ પુરોહિત સાહેબે હરિભાઇના વખાણ કરતાં કહ્યું, ‘એમના આમ અચાનક ચાલ્યા જવાથી તમારા કુટુંબ પર પણ મુશ્કેલીઓ આવી પડી…તારી પાસે પણ કંઇ કામ નથી…અમારી સિમ્પથી તમારી સાથે જ છે…જો, આ અમારા યુનિયનનો શોકદર્શક ઠરાવ છે… અને આ અમારા ડિપાર્ટમેંટમાં તારી જોબ માટેની એપ્લિકેશન છે….’ પુરોહિત સાહેબે ટાઇપ કરેલ ત્રણ કાગળો ફાઇલમાંથી કાઢી મનુને આપ્યા, ‘અહિં તારી સિગ્નેચર કર….!! નિયમ મુજબ અને યુનિયનની સાથે થયેલ સમજુતી પ્રમાણે તને અમારા ડિપાર્ટમેંટમાં જોબ મળી જવી જોઇએ….આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ફોર યુ…’

અ….ને  સ્વર્ગસ્થ પિતાની પચ્ચીસ વરસની સંનિષ્ઠ સેવાને ધ્યાનમાં લઇ નિયમાનુસાર ઇન્ટરવ્યુમાં સફળ થવાની શરતે મનુને ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં નોકરી મળી ગઇ…

દિવસો પસાર થતાં દુઃખ નામક ઝેરી રસાયણની સાંદ્રતા ઓછી થતી જાય છે… ઘટતી જાય છે… ઇન્ટરવ્યુમાં મનુ સફળ થઇ ગયો…પુરોહિત સાહેબની સહાનુભૂતિ પણ કામ આવી..ને મનુ કાયમી બની ગયો ઇન્કમ ટેક્ષ  ડિપાર્ટમેંટમાં… ફાઇલોના ઢગલામાં ઘેરાયો….

‘અરે…!! મનુભાઇ…!!’ રોયલ કેમિસ્ટનો સેલ્સમેન એમના ઇન્કમ ટેક્ષના કામે ઓફિસે આવ્યો હતો… ‘કેમ છો…!!? તમે તો હરિભાઇ સાહેબના છોકરાને….??’

‘હા….!!’ ફાઇલોના કાગળોમાંથી નજર હટાવી મનુએ એના તરફ નજર કરી….

‘બહુ જ સારા હતા હરિભાઇ…!! એમના જેવા ઓફિસર કોઇ ન મળે આજના જમાનામાં…!! હંમેશ સાચ્ચી જ સલાહ આપતા…અમારા શેઠ મહેશભાઇનો ગુંચવાયેલ ગયેલ કેસ એમણે જ ઊકેલ્યો હતો…એમને તો હાઇ બીપી હતુંને….??!!’

‘ના…!!’ મનુએ સાશ્ચર્ય પુછ્યું, ‘કેમ પુછવું પડ્યું…?’

‘એ…તો એમણે અમારા મેડિકલ સ્ટોર પરથી છએક મહિના પહેલાં હાઇ બીપી માટે ગોળીઓ લીધી હતી…! એ તો પ્રિસ્કિપ્શન પણ ભુલી ગયેલ…અરે…!! દવાનું નામ પણ એમને ખાસ યાદ ન્હોતું…મેં જ એમને ગોળીઓ આપેલ એટલે બરાબર યાદ રહી ગયું છે મને…!!’

‘એ…એ…એ………મ…!!’  મનુના આશ્ચર્યનો ગુણાકાર થતો હતો, ‘પિતાજીએ કદાચ…કોઇ બીજા માટે……..!!’

‘બની શકે….પણ બિલ તો એમણે એમના નામનું જ બનાવેલ…!! રસીદ મેં જ ફાડેલ….! મહેશભાઇએ તો એના પૈસા લેવા ચોખ્ખી ના જ પાડેલ…પણ હરિભાઇ એમ શાના માને…? નવ પત્તા લીધેલ….મેં દશ આપવા કહેલ તો એમણે ના કહેલ… ત્રણ મહિના ચાલે એટલી ગોળીઓ લીધી હતી…તમારી ઘરે કદાચ બચી પણ હશે….!!’

વિચારતો થઇ ગયો મનુ….

– હાઇ બ્લડ પ્રેસર ….??!! પિતાજીને….હાઇ બીપી….??!!

– ડો. ડેસાઇએ તો છાતી ઠોકીને કહ્યું હતું: કંઇ નથી….

– તો પછી દવા…હાઇ બી….પીની…?? ત્રણ મહિના ચાલે એટલી….એવું હોય તો બા તો વાત કરેજને…?? પિતાજી બાને તો દરેક વાત કરે જ…..ને બાએ મને તો એ વાત કરી જ હોય….

– હાઇ બીપી…..!!

– હાઇ બીપી…. હાઇ બ્લડ પ્રેસર મટાડવાની દવા….!!

– એ દવા પ્રેશર ઓછું કરે….બ્લડ પ્રેસર ઘટાડે…પ્રેસર લો કરે….!!

– ત્રણેક મહિના ચાલે એટલી ગોળીઓ….નવ પત્તા…નેવું ગોળીઓ….!!

– સારો માણસ આટલી ગોળીઓ એક સામટી ગળે…તો બ્લડ પ્રેસર એકદમ લો થઇ જાય…ઓછું થઇ જાય….ઘટી જાય…અને હાર્ટ બેસી જાય….!! કોઇને કંઇ ખબરે ય ન પડે…!! કંઇક સમીકરણો મંડતા હતા મનુના મનમાં ને આપોઆપ ઉકેલાતા હતા….

– ઓહ…..!! તો પિતાજીએ..

સમજી ગયો મનુ….પિતાજીએ કહ્યું હતું: હું તારા માટે કંઇક વ્યવસ્થા કરૂં છું….

– આવી વ્યસ્થા કરી તમે મારે…. માટે…..??

– ઓ………હ………..!! પિ…..તા……..જી…..!!!!

મનુની આંખ આસુંઓથી છલકાય ગઇ…..પિતાજીનો પ્રેમાળ ચહેરો મનદર્પણ પર પ્રતિબિંબિત થઇ ગયો…..ડૂસકે ડૂસકે રડ્યો છે મનુ….હજુ સુધી રડતો જ રહ્યો છે… રડતો જ રહ્યો છે…. રડતો જ રહ્યો છે…. રડતો જ રહ્યો છે…..

(સમાપ્ત)

લેખક : નટવર મહેતા

sourse: નટવર મહેતા

મા બાપને ઓળખો

-અમૃતલાલ બાન્ટાઈવાળા

આપણાં ધર્મશાસ્ત્રોમાં મા-બાપની સેવાનું મોટુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા-પિતાને દેવ સમાન માનવા જોઈએ. જગતમાં બધું મળી શકે છે. પણ મા-બાપ તેમનું વાત્સલ્ય મળી શકતું નથી. માતા-પિતા બાળકનું લાલન-પાલન કરે છે. બાળકનું પોષણ કરે છે. એનામાં સંસ્કારોનું સિંચન કરે છે. એના વિકાસની, એના ભવિષ્યની એ ચિંતા કરે છે. માતા-પિતા ખરેખર સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે.

માતાપિતાના વાત્સલ્યને જાણવું, એમની લાગણીને જાણવી એ પુત્રની ફરજ છે. સાચો પુત્ર એ જ છે, જે મા-બાપની ઈચ્છાઓને જાણે… એમના મનોભાવોને પીછાણે… એમની લાગણીને સમજે… એમના ઋણને સતત આંખો સમક્ષ રાખે…. મા-બાપ પ્રત્યેની પોતાની ફરજમાંથી જે ચલિત ન થાય એ સાચો પુત્ર. પુત્ર મેળવવો એ સૌભાગ્ય છે. પરંતુ સુપુત્ર મેળવવો એ પરમ સૌભાગ્ય છે.

એક નાનું સરખું ગામ… એ ગામમાં એક દંપતિ રહે. નામ એમનું રણછોડભાઈ તથા તેમની પત્નીનું નામ માણેકબેન. બન્ને સીધાં સાદાં અને સરળ સ્વભાવનાં. એમનું જીવન સાદું. રહેણી કહેણી સાદી… બહુ ભોળાં.. ભણેલાં પણ ઓછું. રણછોડભાઈની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. બાપ-દાદાની બે-પાંચ વીઘા જમીન હતી. એની ઉપર જ એમનો ગુજારો ચાલતો. એમને એક દીકરો. નામ એનું મહેશ. મહેશ એ જ એમનો આધાર. ઘડપણની લાકડી. આ મહેશ માટે રણછોડભાઈ તથા માણેકબેન બધું જ કરી છૂટતાં, એમાંય એકનો એક દીકરો એટલે પૂછવું જ શું ? મહેશ ભણવામાં ખૂબ જ હોંશિયાર. ભણવામાં એને રસ પણ ખૂબ જ. ખંતથી ભણે. રણછોડભાઈની ઈચ્છા એને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાની. મહેશ હાયર સેકન્ડરીના બારમાં ધોરણની પરીક્ષા ખૂબ જ સારા ગુણથી પાસ થયો. રણછોડભાઈના આનંદનો પાર ન રહ્યો. માણેકબેન પણ આનંદમાં ગરકાવ થઈ ગયા. શાળાના શિક્ષકોએ મહેશને આગળ ભણાવવા માટે રણછોડભાઈને સલાહ આપી.

મહેશને એન્જિનીયરીંગમાં એડમીશન મળી ગયું. રણછોડભાઈની આર્થિક સ્થિતિ સારી ન હતી. છતાંય એમણે મહેશને સારી રીતે ભણાવવાનું બીડું ઝડપ્યું. રાત-દિવસ રણછોડભાઈ ખેતરમાં મહેનત કરવા લાગ્યા. માણેકબેન પણ એમને સાથ અને સહકાર આપવા લાગ્યાં. બન્ને પેટેપાટા બાંધી મહેનત મજૂરી કરે. બન્નેની આંખો સામે મહેશનો અભ્યાસ તરવરે. ખૂબ જ કપરી જિંદગી તેઓ જીવતાં.

મહેશની જાણ બહાર આ હકિકત હતી નહીં. એ જાણતો હતો કે, મા-બાપ ખૂબ જ તકલીફ વેઠીને એને ભણાવે છે. પોતાનાં સુખોની આહૂતી આપીને પુત્રના સુખની ચિંતા કરે છે. મહેશની આંખો સમક્ષ સતત એનાં મા-બાપની મૂર્તિ રમ્યા કરતી, એ એક ક્ષણપણ પોતાનાં મા-બાપને પોતાના હૃદયમાંથી આળગા કરતો ન હતો. ક્યારેક એ વિચારતો કે, ભણી ગણીને તૈયાર થયા બાદ માતા-પિતાને ખૂબ જ સુખ આપવું. એમની ખૂબ જ સેવા કરવી. સમય સરવા લાગ્યો.

રાત પછી દિવસ… દિવસ પછી રાત એમ વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યાં. જોત જોતામાં સમય પસાર થઈ ગયો. મહેશ એન્જિનીયર થઈ ગયો. પ્રથમ વર્ગમાં એણે ઈલેક્ટ્રોનીક એન્જિનીયરની ડીગ્રી મેળવી. આનંદ આનંદ થઈ ગયો. રણછોડભાઈ તથા માણેકબાનાં હૃદય આનંદથી ઉભરાઈ ઉઠ્યાં. એમના સમાજમાં મહેશ જેટલું કોઈ ભણ્યું ન હતું. ભણેલો છોકરો અને પાછો એન્જિનીયર… પછી પૂછવું જ શું ? સારા સારા ઘરનાં માગાં આવવા લાગ્યાં. જે રણછોડભાઈની કોઈ કિંમત નહોતી એ રણછોડભાઈના ત્યાં ભલામણો આવવા લાગી.

એમના સમાજમાં સુરેશભાઈ નામના બીઝનેસ મેન. અમદાવાદમાં પાંચ-છ કારખાનાં ચાલે. ખૂબ પૈસો… એમને એક દીકરી… નામ મોના…. એકની એક દીકરી. ભણાવી ગણાવીને સુરેશભાઈએ એને તૈયાર કરેલી. એમ.એસ.સી સુધી ભણેલી મોના માટે સારું ભણેલો છોકરો મહેશ સિવાય બીજો કોણ હોય ? કોઈએ સુરેશભાઈને મહેશ વિશે વાત કરેલી. છોકરો સારો છે. એન્જિનીયર છે. પણ ઘર સામાન્ય છે. તમારા બરોબરિયું ન ગણાય.

સુરેશભાઈએ વિચાર્યું : ‘ભગવાને એમને ઘણું આપ્યું છે. એકની એક દીકરી છે. છોકરો સારો હોય તો એને સેટ કરી શકાય. ઘર જમાઈ તરીકે પણ રાખી શકાય. અને સુરેશભાઈ પહોંચ્યા રણછોડભાઈ પાસે. બધી વાત કરી. રણછોડભાઈ માટે આનાથી વધારે આનંદ બીજો શો હોય ? એમણે આ બાબતે મહેશને પૂછી જોવા જણાવ્યું. સુરેશભાઈએ પોતાના તરફથી લીલી ઝંડી આપી દીધી. મહેશ અને મોનાની મુલાકાત ગોઠવવાનું પણ જણાવી દીધું. અને એક દિવસ મહેશ મોનાના ત્યાં ગયો. એણે મોનાને જોઈ. પ્રથમ નજરે જ ગમી જાય એવી હતી.

મોના જરા જુદા વિચારો ધરાવતી યુવતી હતી. ખૂબ જ લાડકોડમાં તથા સમૃદ્ધિમાં એ ઉછરી હતી. વધારે પડતા આધુનિક ખ્યાલો ધરાવતી હતી એ. મહેશને એણે કહ્યું : ‘મને તમે પસંદ છો. રહી તમારી વાત.’ ‘મને પણ તું પસંદ છે.’ મહેશ બોલ્યો અને ઉમેર્યું : ‘છતાંય થોડીક સ્પષ્ટતા કરવી સારી. તું ખૂબ ધનીક છે જ્યારે હું સામાન્ય…. તારી તમામ જરૂરિયાત કદાચ હું સંતોષી ન શકું એવું પણ બને.’

મોનાના ચહેરાના ભાવ બદલાવા લાગ્યા. એ થોડી નિરાશ થઈ ગઈ છતાંય બોલી : ‘પણ એવો પ્રશ્ન નહીં રહે… મારા પિતાજી આપણને બધું જ આપશે. વળી આપણે ક્યાં ગામડામાં રહેવું છે ? આપણે અહીં શહેરમાં રહીશું…. આમેય ગામડું મને પસંદ નથી.’

‘બીજી વાત….’ મહેશ બોલ્યો અને મોનાના હાવભાવનું નિરીક્ષણ કરતાં કરતાં ઉમેર્યું : ‘મારે મા-બાપ પણ છે. એમની પૂરેપૂરી કાળજી તારે રાખવી પડશે.’

‘તમે શરત મૂકીને મારી સાથે પરણવા માગો છો ? ભણેલા ગણેલા થઈને સંકુચિત ખ્યાલો ધરાવો છો ? હું આધુનિક જમાનાની ભણેલી ગણેલી યુવતી છું. મા-બાપ સાથે અનુકૂળતા આવે તો રહું, ન આવે તો ન પણ રહું.’

‘મોના…. તું તારી રીતે જીવવા સ્વતંત્ર છે. કારણ એ તારો પ્રશ્ન છે. હું તારી સ્વતંત્રતા પર કાપ મૂકવા માગતો નથી. હું પણ આધુનિક ખ્યાલો ધરાવું છું. પણ મા-બાપની બાબતમાં હું બાંધ છોડ કરી શકું તેમ નથી.’

મોના એની સામે જોઈ રહી. મહેશે એની વાત ચાલુ રાખી. ‘મોના…. મેં મારા જીવનમાં એક વાત નક્કી કરી છે. પહેલાં મા-બાપ પછી હું. એમના સુખે હું સુખી. એમના દુ:ખે હું દુ:ખી. આજે હું જે કંઈ છું એ મારા મા-બાપના લીધે છું. એમણે મને દુ:ખ વેઠીને ભણાવ્યો છે. એમણે મને આટલા ઉચ્ચ સ્થાને લઈ જવા પોતાના સુખોનો ભોગ આપ્યો છે. હું તો ત્યાં સુધી કહું છું કે, આજે જો હું એન્જિનીયર ન હોત તો તારા પિતા પણ મારી સામે ન જુઅત. મારા મા-બાપે મને લાયકાત આપી છે. માટે પહેલો વિચાર મારે એમનો કરવાનો છે. હું એવી જ છોકરી સાથે પરણવાનો છું જે મારા મા-બાપનો વિચાર કરે. એમની સાથે રહે… એમની સેવા કરે…. એમની લાગણીને સમજે. એમની ભાવનાને પીછાણે… પછી ભલે એ છોકરી મારી લાગણીનો વિચાર ન કરે. મારી ભાવનાનો વિચાર ન કરે. મારા સુખનો વિચાર ન કરે. મારે મન મારાં મા-બાપ મારા વ્યક્તિગત સુખો કરતાં વધારે કિંમતી છે. જેમણે મને ઓળખ આપી છે – વ્યક્તિત્વ આપ્યું છે શિક્ષણ આપી લાયક બનાવ્યો છે. એમના ઋણને હું ભૂલી શકતો નથી.’

ધન્ય છે મહેશને જે મા-બાપની ભાવનાને સમજ્યો. મા-બાપના ઋણને સમજ્યો. મા-બાપના ઋણને સમજે એ જ પુત્ર. માતા-પિતાના સુખનો હંમેશાં વિચાર કરવો જોઈએ.

-અમૃતલાલ બાન્ટાઈવાળા
sourse:
http://www.readgujarati.com/sahitya/?p=1279Advertisements

Responses

  1. સંકેતભાઈ, અભિનંદન. આપના બ્લોગાવતાર બદલ!!
    આપે મારા બ્લોગને આપશ્રીના બ્લોગરોલમાં સામેલ કર્યો એ બદલ હાર્દિક આભાર.વળી મારી વાર્તા ‘પિતૃકૃપા’ પણ આપે આપના સાહિત્ય સંગ્રહમાં પ્રકાશિત કરી એ માટે આપનો ઋણી છું. એ વાર્તાની નીચે મારા નામ સાથે આપેલ લિંક કામ કરતી નથી. કદાચ, બ્રોકન લિંક લાગે છે.
    હાલે તો ઉતાવળમાં છું. અને કાલે શુક્રવારે સ્નો થવાનો છે. એટલે એની તૈયારીઓ પણ કરવાની છે.

    • Thank you Natvarbhai…mane tamara aashirvad joie chhe.

      i have check-out the link is working….plz chek it …!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: